Saturday 18 February 2012

ભૌતીક સુખો – જિતેન્દ્ર પરમાર




           કયું કારણ હશે, ખબર નથી, પણ માણસને વાળ કાળા જ ગમે. દાંત ધોળા જ ગમે. ચામડી ગોરી જ ગમે. પત્ની રૂપાળી જ ગમે. પુરુષોને પગાર પુછો તો થોડોક વધારે કહેવાનું મન થાય.. સ્ત્રીને ઉંમર પુછો તો તે ઓછી કહે. બોર્ડમાં જે  ફર્સ્ટ આવ્યો હોય એ ઝંખે કે કોઈ એને રીઝલ્ટ પુછે. પણ જે નાપાસ થયો હોય એ  ઈચ્છે કે કોઇ એને રીઝલ્ટ ન પુછે તો સારુ. છોકરી ડૉકટર ને પરણી હોય તો ગૌરવભેર કહે–‘મારો વર ડૉકટર છે!પણ ધારો કે એનો પતી સ્મશાનમાં ડાઘુની નોકરી કરતો હોય તો. …?(આ માત્ર કલ્પના નથી, આવું થતું હોય છે. એક યુવતીને દાતણ વેચતા યુવક જોડે પ્રેમ થઇ ગયો. લગ્ન કરી નાખ્યા. તે ચબરાક યુવતી તેની સહેલીઓને કહે છેઃ મારો હસબન્ડ ટીમ્બર મર્ચન્ટ છે ! ‘) કોઇ માણસ વેશ્યાગામી હોય તો પણ વેશ્યાના ગળામાં વરમાળા પહેરાવવાનું પસંદ નથી કરતો. સંડાસનો ઉંબરો આરસનો ભલે હોય પણ શ્રદ્ધાળુઓ સવારે તેની પર ફુલ મુકતાં નથી. અને ગાય ગંદીગોબરી હોય તો ય લોકો તેને માથે હાથ અડાડે છે! સમાજમાં દરેક વસ્તુની કીંમત પ્રસ્થાપીત થયેલી છે. આપણા મનના કોમ્પ્યુટર પર દરેકના ભાવ લખેલા હોય છે.સમાજ જોડે વર્તતી વખતે આપણી નજર એ પ્રાઇસલીસ્ટ પર રહેતી હોય છે.
                        ઘણી બાબતોમાં માણસે સ્થળ, કાળ અને સમય પ્રમાણે બદલાવું પડે છે. એ જુદી વાત હતી કે હરીશ્ચંદ્ર સ્મશાનમાં નોકરી કરતા હતાં ત્યારે ખુદના દીકરાની લાશ બાળવાના પૈસા પત્ની પાસેથી માંગ્યા હતા પણ આજે ફાઇવસ્ટાર હોટલના દરવાજે દરેકને સલામ મારતો દરવાન ઉભો હોય અને તેની પત્ની  અને બાળકો હોટલમાં ગ્રાહક બનીને આવે તો દરવાન તેમને સલામી ભરતો નથી. મંદીરમાં માથુ ઓઢીને પુજા કરતી નવોઢા મધુરજનીમાં પણ માથુ ઓઢી રાખે તો મધુરજની કટુરજની બનતા વાર ન લાગે. કોઈનું મૈયત થાય ત્યારે મીષટાન્નની અપેક્ષા રાખતો સમાજ કોઇના છુટાછેડા થાય ત્યારેપેંડા માંગતો નથી.(જો કે અમારા મીત્રના વીવાહ તુટી ગયા ત્યારે મીત્રોએ પાર્ટી માંગેલી. વાત કંઇક એમ બનેલી. મીત્ર એક છોકરી જોવા ગયા. છોકરી ગમી ગઇ. વીવાહ થઇ ગયા. પણ બીજે દીવસે તે છોકરી ટપોરી સાથે ભાગી ગઇ. મીત્રએ દુઃખી દીલે પોતાના ભાઇબંધોને એ વાત જણાવી. સૌએ તેને અભીનંદન આપી કહ્યું ; તું આબાદ બચી ગયો. વીચાર કર લગ્ન થઇ ગયા પછી એ ભાગી ગઇ હોત તો….? તારી પાસે ફર્સ્ટકલાસનો પાસ હતો. પણ તું થર્ડકલાસમાં બેસવા જઇ રહ્યો હતો.. તે ભાગી ના ગઇ હોત તો જીંદગીભર તારેચાલુકલાસમાં મુસાફરી કરવી પડી હોત !‘)
                        માણસને ખાળકુવાની ગંદકી ગમતી નથી, એથી એણે ઢાંકણ શોધ્યું. મૃત્યુ દર્શનીય ચીજ નથી એવું સમજાયા બાદ કફન શોધ્યું. કહે છે–‘ઝભલામાં અને કફનમાં ખીસું નથી હોતું. માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે !વાત સાચી, પણ ઝભલા અને કફન વચ્ચે વીસ્તરેલી જીંદગીમાં ઠેરઠેર ગજવાં હોય છે તેનું શું…? ખાલી ગજવાવાળી જીંદગીના બુરા હાલ  થાય છે. ભીખારી ના દીલમાં પ્રવેશ કરીએ  તો  સમજાય કે ખીસા ખાલી હોય તો ઝભલુ ક્ષણવારમાં કફન બની જાય છે. ખીસું જન્મ કે મૃત્યુની જરૂરીયાત નથી, જીંદગીની જરૂરીયાત છે. સીનેમાહૉલમાંથી બહાર નીકળ્યા પછી ટીકીટનું અડધીયું ઉપયોગી રહેતું નથી. જીંદગીનો શો પતે પછી ચલણી નોટ સીનેમાની  ટીકીટ જેવી બની રહે છે.
            એવી જ વાત બેફામ સાહેબે કહી છે. બેફામ, તોય કેટલું થાકી જવું પડયું….નહીં તો જીંદગીનો રસ્તો છે ઘરથી કબર સુધી…! આવું ચબરાકીયું ચીંતન સાંભળી દીલ કલ્લોલી ઉઠે, પણ પછી દીમાગ બોલી ઉઠેખોટી વાત ! ઘરમાંથી પગ ઉંચકીને માણસ બીજો પગ કબરમાં મુકતો નથી ઘર અને કબર વચ્ચે પુરા કદની જીંદગી પસાર કરવી પડે છે. એ રસ્તે માત્ર જીવવાનું નથી હોતુંભાગવાનુંસંતાવાનું….રડવાનું….રીબાવાનું….શોષાવાનું….બધું જ કરવાનં હોય છે. ઘરથી સીધું કબર જવું હોય તો થાક ન લાગે, પણ ઘર ઉત્તર ધ્રુવ પર હોય તો….? બચુભાઈએ  ‘બેફામમાટે એક આવેદનપત્ર તૈયાર કર્યું છે ; ‘બેફામ, તમારે કેમ જુઠું લખવું પડયુંનહીં તો પુરી જીંદગી વીસ્તરી છે ઘરથી કબર સુધી…!‘
                        અમે ભણતાં ત્યારે અંગ્રેજીમાં એક પાઠ હતો. હાઉ મચ લૅન્ડ ડઝ  મેન નીડ?‘(માણસને કેટલી જમીનની જરૂર હોય છે?) એના લેખક સંભવતઃ મોંપાસા હતા. સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધીમાં માણસ ચાલીને જેટલી જમીન કવર કરે તે બધી તેને વીના મુલ્યે મળી જાય એવી શરત હતી. એક માણસ લોભી બની વધુને વધુ જમીન કવર કરવાની લ્હાયમાં સુરજ ડુબતા સુધી ચાલ્યે રાખે છે અને અંતે મૃત્યુ પામે છે. તેને છ ફુટ ખાડો ખોદી દફનાવવામાં આવે છે. લેખક અંતે પુછે છેઆખરે માણસને કેટલી જમીનની જરૂર હોય છે…?? અહીં વ્યંજનાત્મક રીતે લેખક સુચવે છે, માણસે લોભ કરવો જોઇએ નહીં. કથાસંદેશની દૃષ્ટીએ  એ યોગ્ય છે. નહીંતર સત્ય એ છે કે માણસનો મૃતદેહ છ ફુટની કબરમાં સમાઇ શકે પણ પુરી જીંદગી જીવવા માટે તો એને છસો ચોરસફુટ પણ ઓછા પડે.
            ખેર, જેમના પેટ બાસુંદીથી ભર્યા હોય તેઓ કહે છેઃ ગરીબની ભડકીમાં જે સુખ છે તે અમીરોની બાસુંદીમાં નથી!આ પણ એક  છળચીંતન  છે. ભડકી ગરીબોની વૈભવ નથી મજબૂરી છે. સંસારના લાખો ગરીબો  ચટણી રોટલો ખાઇને જીવે છે. તેથી ચટણી અને રોટલો સુખના પ્રતીક બની જતાં નથી. ગરીબ માણસો આવી પુઅર કલાસ ફીલોસોફીવડે મન મનાવે છે. અન્યથા મનને છાને ખુણે તેઓ અનુભવે છે કે ભર ઉનાળામાં પતરાના ડેલામાં સુવા કરતાં એ..સી. રૂમમાં સુવાની જ મજા આવે. સંસારની સુખસાહ્યબીમાં જે મજા છે તે સાધુની સાદગીમાં નથી. સાદાઇથી જીવવું એ વ્યકતીના અંગત વીચારો હોઇ શકે. પરંતુ તે કારણે એ.સી., ટીવી., કાર, વીડીયો, કૉમ્પ્યુટર, ઈન્ટરનેટ, મૉબાઇલએ સર્વ ભૌતીક સુખો નીરર્થક છે એમ માનવું ભુલભરેલું છે. સત્ય એ છે કે બધાં સુખોમાં આનંદ સમાયેલો છે. સંસાર છોડી સાધુ બનેલાં સ્વામીઓ કે બાબાઓ બધાં જ સુખો ભોગવે છે. સંસારની માયા અને સુખસુવીધા છોડવાનું કહેતા સાધુઓ ઈલ્લીગલ સૅકસમાં સરી પડે છે. તેમના આશ્રમમાં ટીવી જ નહીં વી. સી. આર પણ હોય છે. પૉર્નોગ્રાફીની સીડી પણ હોય છે. એ. સી. કાર વીના તેઓ મુસાફરી કરતાં નથી.
            રૅશનાલીઝમની ઇમારત નક્કર સત્ય અને વાસ્તવીકતાના બીમકોલમ પર ઉભી છે. ચાલો, જીવનમાં વ્યાપક બનેલી એવી ઘણી ઈરરેશનલ અફવાઓને ફગાવી દઇએ. જેમકે (૧) પૈસો હાથનો મેલ છે. એને કુતરાંય સુંઘતાં નથી. (૨)  હંમેશા સત્યનો જ જય થાય છે. (૩) ગરીબો પ્રામાણીક હોય છે. (૪) દેશના બધાં જ રાજકારણીઓ દુષ્ટ અને ભ્રષ્ટાચારી જ હોય છે. (૫) સંસારની મોહમાયા છોડી ઇશ્વરને ભજશો તો જ જીવનનું કલ્યાણ થશે. (૬) વ્રતઉપવાસકથાકીર્તન કરવાથી મોક્ષ મળે છે. (૭) જે મજા સંસારનો  ત્યાગ કરીને પ્રભુભજન કરવામાં છે તે સંસારમાં નથી. (૮) ઈશ્વર સંસારીઓને નહીં સાધુ, સંતો અને ધર્મગુરુઓને પ્રેમ કરે છે. એથી ગુરુ કર્યા વીના મોક્ષપ્રાપ્તી થતી નથી. (૯) બ્રહ્મચર્ય પાળનાર વધુ શકતીશાળી અને તેજસ્વી હોય છે. (૧૦) મર્યા પછી શ્રાદ્ધ ન કરો તો જીવ અવગતે જાય છે.
            દોસ્તો, યાદી હજી લાંબી  થઇ શકે પણ તેનો કશો ફાયદો નથી. માનવીએ પરાણે ઝાલી રાખેલા જર્જરીત જુઠાણાઓનો અહેવાલ તૈયાર કરવામાં મહેનત કરીએ તો એ અંધકાર માટે તપાસપંચ નીમવા જેવી ભુલ ગણાય. ઉત્તમ એ જ કે સત્યની દીવાદાંડી તરફ જ ધ્યાન કેન્દ્રીત કરીએ..સત્યનો સૂરજ મધ્યાન્હે તપશે તો  અજ્ઞાનના  અંધારા  એની  મેળે  દુર  થશે.