વીજ્ઞાન સત્ય છે અને ધર્મ પણ સત્ય છે. બંને સત્ય એક જ છે. બંને સત્યો એકબીજાનાં પુરક છે.
જયારે વીશ્વ પછાત અવસ્થામાં હતું ત્યારે માનવસમૂહોમાં અંદરોઅંદર લડાઈ–ઝઘડા થયા કરતા હતા. બુદ્ધીશાળી લોકોએ સારા આચાર–વીચારનું પ્રસ્થાપન કર્યું, જેથી માનવજીવન તુટવા–વીખરાવાને બદલે સ્થીરતા પ્રાપ્ત કરે. સારા આચાર–વીચારને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મનો હેતુ માનવજીવનને સાચો રાહ બતાવીને શાંતી તેમજ સમૃદ્ધી લાવવાનો રહ્યો છે. બીજા કેટલાક બુદ્ધીશાળી લોકોએ કુદરતમાં થતી વીભીન્ન ઘટનાઓનું નીરીક્ષણ, પૃથક્કરણ કરીને કુદરતમાં છુપાયેલાં રહસ્યોને–નીયમોને અનાવૃત્ત કર્યાં છે. આ નીયમોને આપણે વીજ્ઞાન કહીએ છીએ.. વીજ્ઞાનનો હેતુ પણ માનવજીવનને સાચા રસ્તે લઈ જઈને સુખી અને સમૃદ્ધ બનાવવાનો રહ્યો છે. એ રીતે ધર્મ અને વીજ્ઞાનનો ઉદ્દેશ્ય એક જ છે. આથી ધર્મ તથા વીજ્ઞાન પરસ્પર વીરોધી નથી; પરંતુ સમન્વયકારી છે.
પ્રાચીન ભારતમાં કેટલાયે ધર્મગુરુઓ અને ૠષીમુનીઓએ વીજ્ઞાનના વીકાસમાં અપ્રતીમ યોગદાન આપ્યું છે. પ્રાચીન ભારતના વૈજ્ઞાનીકોમાં અને ધર્મગુરુઓમાં હંમેશાં એકરૂપતા રહી છે. એમણે એકબીજાને સ્નેહ અને આદર આપ્યો છે, આથી જ એ સમયે ભારતમાં ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ ઝઘડો અથવા તનાવ થતો ન હતો. વાસ્તવમાં તો પ્રાચીન ભારતમાં ૠષીમુનીઓ જ સાચા વૈજ્ઞાનીકો પણ હતા.
એનાથી ઉલટું, પશ્ચીમના દેશોમાં વીજ્ઞાનના ઉદયની સાથે જ ધર્મગુરુઓએ વૈજ્ઞાનીકોની ટીકાઓ કરવાના, બહીષ્કાર કરવાના અને અનેક પ્રકારની યાતનાઓ જેવી કે વૈજ્ઞાનીકોને માર મારવાના, કેદ કરવાના અને સળગાવી મુકવાના અત્યાચારો કર્યા હતા. એ રીતે પશ્ચીમી જગતના ધર્મગુરુઓ અસહીષ્ણુ હોવાને કારણેત્યાં વીજ્ઞાન અને ધર્મ વચ્ચે ટકકર થતી રહી. પરીણામે પશ્ચીમી જગતમાં ધર્મગુરુઓની સત્તા શેષ થતી ગઈ અને વીજ્ઞાનનો પ્રભાવ વધતો ગયો. જયારે ભારતમાં ધર્મ અને વિજ્ઞાનના સમન્વયને મોટા ભાગના બૌદ્ધીકો આવકારે છે.
વીજ્ઞાનના સીદ્ધાંતો ધર્મના સીદ્ધાંતોની માફક જ્ઞાનને સત્ય તરફ દોરી જાય છે તેથી અધ્યાત્મ અને વીજ્ઞાન વચ્ચે તાર્કીક સરખામણી કરી શકાય છે. તેમાંય ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના જન્મ પછી તો આ કાર્ય એકદમ સરળ થઈ ગયું છે. ઈ. સ. ૧૮૯૩માં શીકાગો ખાતે યોજાયેલ સર્વધર્મ પરીષદમાં ભારતનું પ્રતીનીધીત્વ કરતાં સ્વામી વીવેકાનંદે કહ્યું હતું કે, ‘પ્રાચીન વેદાંત અને વીજ્ઞાનના સીદ્ધાંતો વચ્ચે નજીકની સામ્યતા છે. આકાશ (દ્રવ્ય) અને પ્રાણતત્વ (શક્તી) એ બંને એકમેકના પુરક અથવા અપર–રુપ છે.’ બરાબર આવું જ આઈન્સ્ટાઈનના સમીકરણ E = mc2 પરથી ફલીત થઈ શકે છે. દુનીયા એ દ્રવ્યનો મહાસાગર છે. આ દ્રવ્ય શાનું બનેલું છે ? અણુકીય વીજ્ઞાન (Atomic physic) મુજબ એ ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણોનું બનેલું છે. ફરીને પ્રશ્ન થાય કે આવા કણો કયા દ્રવ્યના બન્યા હશે ? Particle physics પ્રમાણે તે લેપ્ટોન્સ, મેશોન્સ અને હેડ્રોન્સના બનેલા છે. ફરીને પ્રશ્ન થાય કે આવા અતીસુક્ષ્મ કણો શાના બનેલા છે ? (ક્રોમોડાયનેમીકસ) રંગપરીવર્તનશાસ્ત્ર મુજબ તે કવાર્ક્સના બનેલા છે, જે વીવીધ રંગો ધરાવે છે. વળી કવાર્ક શાના બનેલા છે તેનો જવાબ હજુ વીજ્ઞાને શોધવાનો છે. આમ વીજ્ઞાનમાં કોઈપણ તત્ત્વ જે સ્વરુપે મળે છે તે સ્વરુપે દેખાતું નથી જેને શાસ્ત્રમાં માયા કહેવામાં આવે છે. પરંતુ ધર્મ આ બાબતમાં સ્પષ્ટ છે. જેમાં આત્માને શરીરરુપી સાધનને કાર્યરત કરતી ચેતના છે. આત્મા એ પરમાત્મા(ઈશ્વર)થી ગુણાત્મક રીતે પર નહીં ; પરંતુ સામુહીક રીતે અલગ છે. જે રીતે સફરજનના એક ટુકડામાં સફરજનના સર્વ ગુણો રહેલા છે; જે રીતે લેસર–પ્રકાશ દ્વારા લેવામાં આવેલા ત્રીપરીમાણીય ચીત્ર (હોલોગ્રાફ)નો નાનો અંશ પૂર્ણ ચીત્રનું નીરુપણ કરી શકે છે; જે રીતે અગ્નિ અને તેની દાહકની અસર સ્વતંત્ર રીતે અસ્તીત્ત્વ ધરાવી શકતાં નથી; તેમ દ્વૈત (માનવ અને ઈશ્વર)વાદના સીદ્ધાંતો તથા અદ્વેતવાદ(આત્મા એ જ પરમાત્મા)ના સિદ્ધાંતો નીરપેક્ષ સંભવી શકતા નથી. આ જ રીતે બ્રહ્મ–ઈશ્વર–પરમાત્મા એક હોવા છતાં અનેક છે અને તે જુદાં જુદાં સ્વરુપે એકે–એક કણમાં રહેલો છે. બરાબર આવી જ રીતે દરેક ચૈતન્યમાં પૂર્ણ ચેતના સમાયેલી હોય છે. દરેક જગ્યાએ ઈશ્વર રહેલો છે.
પદાર્થ વીજ્ઞાનનો એક નીયમ એ છે કે ક્રીયાની સાથે પ્રતીક્રીયા અનીવાર્ય છે. વીશ્વમાં ક્રીયા–પ્રતીક્રીયાનું ચક્ર ચાલતું જ રહે છે. પરંતુ તેમાં એક અપવાદ નોંધાયો છે. પદાર્થની વીભીન્ન અવસ્થાઓના નીરીક્ષણના પ્રયોગોમાં તાપમાનને ઘટાડતાં ઘટાડતાં તેના પરમ શુન્ય ‘એબ્સોલ્યુટ ઝીરો’ (-૨૭૩ .૧૫ ડીગ્રી સેન્ટીગ્રેડ) સુધી લઈ જવાના પ્રયોગ દરમીયાન વૈજ્ઞાનીકોએ એક અદભુત ઘટના જોઈ. પરમ શુન્ય તો એક એવી અવસ્થા છે, જયાં પહોંચી શકાતું નથી, પરંતુ ત્યાં પહોંચવાના પ્રયોગોમાં વૈજ્ઞાનીકોએ એ જોયું કે, પરમ શુન્યની નજીકની નજીક પહોંચતાં એકાએક પદાર્થના ઈલેકટ્રોનની ગતિ થંભી જાય છે અને તેની પ્રતીરોધશકતી અદૃશ્ય થઈ જાય છે! ભૌતિક વીજ્ઞાનના આ પરમ શુન્યના ચમત્કારની પ્રતીકૃતી આધ્યાત્મીક જગતમાં જોવા મળે છે.
સાધના દ્વારા માણસ અહંકારનો લોપ કરી ‘શુન્ય’ સુધી પહોંચી જાય તો એની પ્રવૃત્તી પ્રતીક્રીયાથી પર બની જાય છે. પછી કર્મના બંધન એના ઉપર પોતાની પકકડ જમાવી શકતાં નથી, એનાં સહજ સુખ, જ્ઞાન અને આનંદને મર્યાદીત કરવાની જુની પાળો તુટી પડે છે અને શુન્ય અવસ્થાએ થતું કાર્ય ‘અહમ્’ નથી જન્માવતું. પરીણામે તેને આત્મજ્ઞાન–આત્મદર્શન પ્રાપ્તી થાય છે. આંતર પ્રકૃતીના નીયમો શોધી કાઢનાર સાધકોએ આધ્યાત્મીક જગતને આપેલી આ મહાન ભેટ છે. વીજ્ઞાન અને ધર્મ સીકકાનાંબે પાસાં છે. વીજ્ઞાન ‘પ્રયોગલક્ષી’ છે જયારે ધર્મ ચીંતનલક્ષી છે. તેમ છતાં ધર્મ અને વીજ્ઞાન બંને સત્યશોધક છે. બંનેનો ઉદ્દેશ એક જ છે. વીજ્ઞાન જીવનની ‘પ્રાણશકતી’ છે, અને ધર્મ જીવનનું ચીત્ત છે. ચીત્તના માર્ગદર્શન હેઠળ પ્રાણ કામ કરે છે. માટે ધર્મનું માર્ગદર્શન વીજ્ઞાનને મળવું જોઈએ.. ધર્મ વીના વીજ્ઞાનને ખરી દીશા જ નહીં મળે… ધર્મ છે આંખ અને વીજ્ઞાનને છે પગ. વીજ્ઞાનમાં બેવડી શક્તી હોય છે. એક વીનાશશકતી અને બીજી વીકાસશકતી. તે સેવા પણ કરી શકે છે અને સંહાર પણ. અણુશકતીનો ઉપયોગ સુખસગવડ વધારવા માટે કરવો કે બોમ્બ બનાવીને વીનાશ માટે કરવો
તેની ચાવી વીજ્ઞાન પાસે નથી. એ વીવેક તો ધર્મ પાસે છે. જેમ પક્ષી બે પાંખોથી ઉડે છે તેમ મનુષ્ય ધર્મ અને વીજ્ઞાન એ બે શકતીથી આગળ ધપે છે.
No comments:
Post a Comment